Wednesday, May 19, 2010

“લાજ”

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી મારા શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

Wednesday, May 12, 2010

મઝાનો માણસ

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારો ય એક જમાનો હતો કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

Tuesday, May 4, 2010

જીવન ને સ્વપ્ન માનું છું,.....

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.