Wednesday, April 28, 2010

બેઠો છે સુરાલયમાં ને ચકચૂર નથી...

લાગણી દિલમાં બરાબર,નજર આતુર નથી,
આપની આવી મહોબ્બત મને મંજૂર નથી.

છે મરણમાં મને આરામ,હું મજબૂર નથી,
શ્વાસ જો ખેંચવા ચાહું તો હવા દૂર નથી.

ઓ હ્રદય!!એક દિલાસો તને સુંદર આપું,
એની અવહેલના એક ભય,એ નિષ્ઠુર નથી.

મારા બેચાર બનાવો બહુ બદનામ થયા,
હાય એ નેક પ્રસંગો કે જે મશહૂર નથી!!

ઓ વિરહ રાત!!હવે તારો ઈજારો ન રહ્યો,
હવે દુનિયામાં કોઈ ચીજ ઉપર નૂર નથી.

એક નિશ્ચિત વિસામાની જરૂરત છે મને,
ચારે બાજુ મારા ઘર હો,મને મંજૂર નથી.

જરા સાંભળજો કે કોઈ રમતમાં છે 'મરીઝ'
કે એ બેઠો છે સુરાલયમાં ને ચકચૂર નથી.....

Tuesday, April 27, 2010

નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને….

Tuesday, April 20, 2010

જોતો જ રહ્યો બસ હું તમને

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ

મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ

સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો

વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં

સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું

પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ

Monday, April 19, 2010

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી

Friday, April 16, 2010

શરૂઆત મારા શોખની

નાની એવી શરૂઆત કરી રહ્યો છું આજે ......
વાગોળી રહ્યો છું થોડા સંસ્મરણો આજે.......
શોખ છે મને ગઝલ ને શાયરી નો ......
શોખ ને સજીવન કરી રહ્યો છું આજે..............

"મરીઝ" -- આ નામ આ વિષય ના શોખીનો માટે કદી અજાણ્યું ના હોય શકે .....

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે.

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે.

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે.

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે.

ઓ શિખામણ આપનારા!! તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે.

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા!!કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે.

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે.

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ 'મરીઝ'
હું નથી હોતો તો એ વિતાવી જાય છે...