લાગણી દિલમાં બરાબર,નજર આતુર નથી,
આપની આવી મહોબ્બત મને મંજૂર નથી.
છે મરણમાં મને આરામ,હું મજબૂર નથી,
શ્વાસ જો ખેંચવા ચાહું તો હવા દૂર નથી.
ઓ હ્રદય!!એક દિલાસો તને સુંદર આપું,
એની અવહેલના એક ભય,એ નિષ્ઠુર નથી.
મારા બેચાર બનાવો બહુ બદનામ થયા,
હાય એ નેક પ્રસંગો કે જે મશહૂર નથી!!
ઓ વિરહ રાત!!હવે તારો ઈજારો ન રહ્યો,
હવે દુનિયામાં કોઈ ચીજ ઉપર નૂર નથી.
એક નિશ્ચિત વિસામાની જરૂરત છે મને,
ચારે બાજુ મારા ઘર હો,મને મંજૂર નથી.
જરા સાંભળજો કે કોઈ રમતમાં છે 'મરીઝ'
કે એ બેઠો છે સુરાલયમાં ને ચકચૂર નથી.....
No comments:
Post a Comment