Tuesday, April 27, 2010

નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને….

No comments:

Post a Comment